સેલવાસમાં ધોડિયા સમાજ ગૌરવ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
VALSAD | By Akhand Bharat Team | Published:
મનોરંજન
સેલવાસમાં ધોડિયા સમાજ ગૌરવ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો સંદેશ આપતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયાદાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દ્વારા “ધોડિયા ગૌરવ મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી પરંપરા, ભાષા-બોલી અને સંસ્કૃતિના જતન સાથે સમાજમાં એકતા, જાગૃતિ અને સંગઠનની ભાવના મજબૂત બને તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના રંગોથી રંગાઈ ગયો હતો.કાર્યક્રમની શરૂઆત પરંપરાગત આદિવાસી રીતરિવાજ મુજબ પૂજા-અર્ચના સાથે કરવામાં આવી હતી.ઢોલ, નગારા અને તુરના નાદ વચ્ચે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતન જ સમાજની સાચી ઓળખ હોવાનું જણાવાયું હતું.કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના સાંસદ *કલાબેન* *ડેલકાર* મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં આદિવાસી સમાજને શિક્ષણ, સંગઠન અને સંસ્કૃતિ સાથે આગળ વધવા અપીલ કરી હતી. સાથે જ તેમણે યુવાનોને પોતાની ભાષા-બોલી અને પરંપરાગત મૂલ્યો જાળવવા પ્રેરણા આપી હતી. રાષ્ટ્રીય આદિવાસી નેતા *પ્રદીપભાઈ ગરાસિયા* એ સમાજના હક્કો, વિકાસ અને સંગઠિત શક્તિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજે એકતા જાળવી વિકાસના માર્ગે આગળ વધવું જરૂરી છે.મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાગત પહેરવેશ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. યુવક-યુવતીઓ તથા મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં લોકનૃત્ય, લગ્ન ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. રંગબેરંગી પહેરવેશ અને આદિવાસી સંગીતે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો.કાર્યક્રમમાં પરંપરાગત “તુર”ની હરીફાઈનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી આવેલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તુરના ગુંજતા નાદ સાથે સમગ્ર સ્થળ આદિવાસી ગૌરવ અને સંસ્કૃતિના રંગમાં રંગાઈ ગયું હતું. ઉપસ્થિત લોકોએ પણ આ હરીફાઈને ભારે ઉત્સાહથી નિહાળી હતી.આ પ્રસંગે દાદરા નગર હવેલી, ગુજરાત અને મહારાષ્ટ્રના ધોડિયા સમાજના આગેવાનો દ્વારા આગામી પેઢી સુધી આદિવાસી પરંપરા, ભાષા-બોલી અને સંસ્કૃતિ પહોંચાડવા માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો અને મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.