શામળાજી હાઇવે પર ગમ્ખવાર અકસ્માત: મહિલા CHOનું મોત, સાથી કર્મચારી ગંભીર – 1 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી.અરવલ્લી જિલ્લાના શામળાજી નેશનલ હાઇવે-48 પર વેણપુર નજીક જૂની આરટીઓ કચેરી પાસે એક કાળજું કંપાવી દેનારો ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં જાંબુડી અને પાંચમહુડી આરોગ્ય વિભાગમાં CHO તરીકે ફરજ બજાવતા પાયલબેન રાજેન્દ્રભાઈ નીનામા (ઉં.વ. 32) અને તેમના સાથી કર્મચારી વૈભવીબેન બાબુભાઈ ચોકસી (રહે. હિંમતનગર) બપોરે અંદાજે 3:30 કલાકે એક્ટિવા (નંબર GJ 31 B1 0113) લઈને પાંચમહુડીથી શામળાજી તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક ટ્રક (નંબર RJ 14 GR 1771) ના ચાલકે બેદરકારીપૂર્વક તેમની એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બંને મહિલા કર્મચારીઓ લોહીલુહાણ થતાં સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અડધા કલાકની ટૂંકી સારવાર દરમિયાન પાયલબેન નીનામાનું કરુણ મોત નીપજ્યું હતું, જેને કારણે તેમના 1 વર્ષના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૈભવીબેનને વધુ સારવાર અર્થે હિંમતનગર રેફર કરવામાં આવ્યા છે અને અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.પત્રકાર-અશ્વિન પટેલ