પોતાની ફરજ પર જતાં MVD ના ડૉ. ઉર્વશી અને ડૉ. શૈશવે માનવતા દાખવી રસ્તા પર તરફડતા મૂંગા પશુની વહારે આવ્યા
PANCHMAHAL | By Akhand Bharat Team | Published:
અકસ્માત
પોતાની ફરજ પર જતાં MVD ના ડૉ. ઉર્વશી અને ડૉ. શૈશવે માનવતા દાખવી રસ્તા પર તરફડતા મૂંગા પશુની વહારે આવ્યા
કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ છે’, અને જ્યારે આ સેવા કોઈ અસહાય અને મૂંગા પશુ તરફ વળે ત્યારે માનવતા સાચા અર્થમાં સાર્થક થાય છે. આવી જ એક હૃદયદ્રાવક અને પ્રેરણાદાયી ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ રોડ પર જોવા મળી, જ્યાં ગંભીર રીતે ઘાયલ એક ગાય માટે બે સરકારી તબીબો અને સ્થાનિક નાગરિકો દેવદૂત સાબિત થયા હતા.હાલોલ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલા એક અજ્ઞાત વાહને એક ગાયને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાય રસ્તાની વચ્ચે જ ઘાયલ હાલતમાં અસહ્ય વેદનાથી તરફડી રહી હતી. વાહનો પસાર થઈ રહ્યા હતા, પણ કોઈનું ધ્યાન એ મૂંગા જીવની ચીસ પર નહોતું જતું.બરાબર એ જ સમયે ત્યાંથી પોતાની નિયમિત ફરજ પર જઈ રહેલા MVD (મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી) ના કર્મનિષ્ઠ તબીબો ડૉ. ઉર્વશી અને ડૉ. શૈશવ ત્યાંથી પસાર થયા. રસ્તા પર કણસતી ગાયને જોઈને આ બંને ડૉક્ટરોની સંવેદનશીલતા જાગી ઉઠી હતી. તેમણે પોતાની નોકરીના સમયની પરવા કર્યા વિના, તુરંત જ પોતાની ગાડી ઊભી રાખી દીધી.એક પણ ક્ષણ ગુમાવ્યા વિના ડૉક્ટરોએ ત્વરિત પગલાં લીધા અને ૧૯૬૨ પશુ હેલ્પલાઇન એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવી લીધી.આ ઘટના દરમિયાન માનવતાનું અનોખું એવું દ્રશ્ય સર્જાયું કે રાહદારીઓ પણ મદદે આવ્યા.ડૉક્ટરોને મૂંગા પશુની સેવા કરતા જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય સ્થાનિક રાહદારીઓનાં દિલ પણ પીગળ્યા હતા. કોઈ અજાણ્યા નાગરિકો હોવા છતાં, સૌ કોઈ પશુદયાના આ કાર્યમાં જોડાઈ ગયા. એમ્બ્યુલન્સ આવતા જ ડૉક્ટરોની ટીમે રાહદારીઓના સહયોગથી ઇજાગ્રસ્ત ગાયને સ્થળ પર જ પ્રાથમિક ઉપચાર આપવાનું શરૂ કર્યું.આમ,ડૉક્ટરોની કુશળ સારવાર, સમયસૂચકતા અને સામાન્ય નાગરિકોના સહિયારા ઓક્સિજન સમાન પ્રયાસો રંગ લાવ્યા. ગંભીર રીતે ઘાયલ ગાયની સ્થિતિમાં સુધારો થયો અને તેનો જીવ બચી ગયો.