સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પારિવારિક કલહ અને માનસિક તાણથી આહત બનેલી 13 વર્ષની કિશોરીએ ચોથા માળેથી ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 25 મેં ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે દરમિયાન બની હતી. પરિવારજનો સાથે કોઈ બાબતે બોલાચાલી અને ઠપકો મળતાં કિશોરી માયાબેન માંગીલાલ ચૌધરી માનસિક રીતે વ્યથિત થઈ ગઈ હતી. ઘટનાના થોડા સમય બાદ કિશોરી ગુસ્સા અને આવેશમાં ઘરના ચોથા માળે ધાબા પર પહોંચી ગઈ હતી.પરિવારજનોને કિશોરી છત પર ગઈ હોવાની જાણ થતાં તેઓ તરત જ તેને સમજાવવા અને નીચે લાવવા માટે દોડી ગયા હતા. જોકે પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ કિશોરીએ અચાનક ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી કિશોરીને નજીકમાં રહેતા પીનાક રમેશભાઈ પટેલ પોતાની કારમાં ચલથાણ સ્થિત સંજીવની હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત નાજુક હોવાને કારણે વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટરોએ કિશોરીને બચાવવા ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ 26 મેના રોજ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું.ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે CCTV ફૂટેજ કબજે લઈ તપાસ શરૂ કરી છે. ઉપરાંત પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સમાજ માટે ચેતવણીરૂપ ઘટનાઆ ઘટના ફરી એકવાર કિશોરાવસ્થાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને પરિવારમાં સંવાદના અભાવ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કિશોરાવસ્થામાં બાળકો અત્યંત સંવેદનશીલ હોય છે. માતા-પિતા અને વાલીઓએ બાળકો સાથે વાતચીત કરતી વખતે ધીરજ, સંવેદનશીલતા અને સમજદારી દાખવવી ખૂબ જ જરૂરી છે.બદલાતા સમયમાં બાળકોના વર્તનમાં આવતા ફેરફારો અને તેમના માનસિક તાણના સંકેતોને સમયસર ઓળખી યોગ્ય માર્ગદર્શન અને હૂંફ આપવામાં આવે તો આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાય છે.