
શિક્ષણ જગત
શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ: થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત
શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ: થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત
થાનગઢ:વરિયા પ્રજાપતિ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી થાનગઢ ખાતે વરિયા પ્રજાપતિ સમાજની વાડીમાં ૨૦મો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી, ખાસ કરીને થાન, વાંકાનેર, રાજકોટ અને મોરબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૨૦૦થી વધુ જ્ઞાતિજનો, અગ્રણીઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૯ વાગ્યાથી શરૂ થઈને રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલેલા આ મેગા કાર્યક્રમમાં જનરલ ઇનામ વિતરણ અંતર્ગત ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિતની ઉપયોગી શૈક્ષણિક ભેટો આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના મુખ્ય સન્માન સમારોહમાં ધોરણ ૧થી લઈને કોલેજ કક્ષા સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ૫૭થી વધુ તેજસ્વી તારલાઓને ટ્રોફી, સન્માનપત્ર અને વિશેષ ભેટો આપીને મંચ પરથી પ્રોત્સાહિત કરાયા હતા.છેલ્લા ૨૦ દિવસની તનતોડ મહેનત બાદ સમાજના ૬૦થી વધુ બાળકો દ્વારા સ્વાગત ગીત, હાસ્ય નાટકો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની અસરોને ધ્યાને રાખીને, કાર્યક્રમ દરમિયાન "શિક્ષણનું મહત્વ" અને "મોબાઈલના દુરુપયોગ અંગે જાગૃતિ" ફેલાવતા વિશેષ નાટકો ભજવાયા હતા, જેને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.સમારોહમાં બહેનોની કળા-કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ભરતગૂંથણ હરીફાઈ અને મહેંદી સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બહેનોને શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ સમાજની શિક્ષણ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો અને વડીલોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે એક નવો રાહ ચીંધ્યો છે.
SURENDRANAGAR





















