મયુર મોકાશી. ધરમપુર પોલીસ સ્ટેશન દ્વારા માનવતા અને ફરજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ગુમ થયેલા અથવા ચોરી થયેલા કીમતી સામાનને પોલીસે ટેકનોલોજી અને સચોટ તપાસના સહારે શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.શું શું પરત મળ્યું?પોલીસની સતર્કતાને કારણે કુલ રૂ. 1,08,450 ની કિંમતનો મુદ્દામાલ તેના સાચા હકદારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં નીચે મુજબની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે:મોબાઈલ ફોન: વિવિધ કંપનીના ૮ નંગ (કિંમત રૂ. ૬૬,૦૦૦)મોટરસાયકલ: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦)પાણીની મોટર: જલગંગા કંપનીની (કિંમત રૂ. ૩૨,૪૫૦)ટેકનોલોજી અને સચોટ તપાસનો સમન્વયઆ સફળ કામગીરી વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરત રેન્જ આઇજીપી શ્રી પ્રેમ વીરસિંહ અને વલસાડ એસપી શ્રી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા ધરમપુર પીઆઈ શ્રી એન.ઝેડ. ભોયાના નેતૃત્વમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાસ કરીને CEIR પોર્ટલની મદદ લેવામાં આવી હતી, જેના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ કરી ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી હતી.ASI અશોકભાઈ, ASI પ્રેસિતભાઈ અને તેમની ટીમે સતત મહેનત કરી ગુમ થયેલા મુદ્દામાલના મૂળ માલિકોને શોધી કાઢ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીથી જનતાનો કાયદા અને પોલીસ તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. નાગરિકોએ પોલીસની આ પહેલને બિરદાવી તેમને સલામ પાઠવી હતી.