કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઓનલાઈન દવાઓ જરૂરીયાત મંદો ખરીદી શકે તે માટે નિર્ણય કરીને તેનો અમલ કરવાનું નક્કી કરાયું છે ત્યારે બુધવારે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન ભાગરૂપે સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં કેમિસ્ટોએ હડતાળ પાડી હતી. ઓનલાઈન દવાઓના વેચાણ અને નિયમોના ઉલ્લંઘનના વિરોધમાં એક દિવસ બંધનું એલાન અપાયું હતું. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં આવેલ અંદાજે ૮૪૦ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. ત્યારબાદ જિલ્લાના કેમિસ્ટ એસો. દ્વારા અધિક કલેકટરને સાહેબ શ્રી ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ અંગે કેમિસ્ટ એસો. ના અગ્રણી બીપીનભાઈ ઓઝા તથા એસો. હોદ્દેદારોએ અધિક કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઇસન્સ વગર નશીલી દવાઓનું વેચાણ થતું હોવાનો વિરોધ કરાયો હતો. આ ઉપરાંત, ગ્રાહકોને દવાઓના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવા અને સરકાર દ્વારા નક્કી કરાયેલા ડિસ્કાઉન્ટ કરતાં વધુ છૂટછાટ આપી દવાઓ વેચવામાં આવતી હોવાના મુદ્દે રજુઆત કરાઈ હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. દિવસ દરમ્યાન જરૂરીયાતમંદ દર્દીઓને દવા, ઈન્જેકશન સહિત અન્ય તબીબી સાધનો સરળતાથી મળ્યા હતા...