હિંમતનગર, તા. ૨૭ મે : સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારનો આ ફ્લેગશિપ કાર્યક્રમ છેલ્લા બે દાયકાથી પ્રજાના પ્રશ્નોના ઓનલાઈન અને અસરકારક નિવારણ માટે કાર્યરત રહી લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.આજના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા રજૂ કરાયેલા કુલ ૧૩ પ્રશ્નોમાંથી ૧૨ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જમીન સંપાદન અને દબાણ હટાવવાની બાબતો, ગામતળમાં પ્લોટ ફાળવણી, ૭/૧૨ના ઉતારામાં નામ સુધારણા, જમીન માપણી તેમજ સર્વે નંબર સંબંધિત ક્ષતિઓ દૂર કરવાની રજૂઆતો સહિત નાગરિક સુવિધાને સ્પર્શતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ અરજદારોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી જરૂરી ન્યાયિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, કચેરીએ આવતા દરેક નાગરિકની સમસ્યાઓને સંવેદનશીલતાપૂર્વક સાંભળી કાયદાકીય મર્યાદામાં રહીને ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી. પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.