પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ : ઈકો ટુરિઝમ વિકાસ માટે જિલ્લા તંત્રનો મહત્વનો નિર્ણય.પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હવામાન
પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ : ઈકો ટુરિઝમ વિકાસ માટે જિલ્લા તંત્રનો મહત્વનો નિર્ણય.પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પ્રખ્યાત પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસીઓની સુવિધા વધારવાના હેતુસર જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા સમાહર્તા શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પોળો વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરિઝમ તરીકે વિકસાવવા માટે ચોક્કસ માર્ગ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જાહેરનામા અનુસાર, શારણેશ્વર મંદિર પાસેના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ સુધી અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર ચાર પૈડાવાળા તેમજ તેનાથી ભારે તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ રહેશે. આ પ્રતિબંધ માત્ર ટુ-વ્હીલર વાહનોને બાદ રાખીને અમલમાં મુકવામાં આવ્યો છે.આ આદેશ તા. ૧ જુલાઈ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી પોળો ફોરેસ્ટ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહેવા સાથે પર્યાવરણનું સંરક્ષણ અને ઈકો-ફ્રેન્ડલી પ્રવાસનને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે જિલ્લા પ્રશાસનનો મહત્વપૂર્ણ નિર્ણયસાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળો ફોરેસ્ટ, જેને “સાબરકાંઠાનું કાશ્મીર” તરીકે ઓળખવામાં આવે છે, તેના કુદરતી સૌંદર્યને કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે. ખાસ કરીને પોળો ઉત્સવ તેમજ રજાના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહેવાની શક્યતા હોય છે.પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લાવતા હોય છે, જેમાં મોટાભાગે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ થાય છે. આ કારણે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો વધે છે, જે પર્યાવરણ તેમજ વન્યજીવન માટે ગંભીર નુકસાનકારક સાબિત થાય છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્લાસ્ટિકના વેચાણ તેમજ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો મુખ્ય હેતુ જંગલને પોલ્યુશન ફ્રી રાખવાનો અને કુદરતી સંપત્તિ તથા વન્યજીવનનું સંરક્ષણ કરવાનો છે.આ હુકમ તા. ૧ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લા પ્રશાસને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ પર્યાવરણની રક્ષા માટે સહકાર આપે અને પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહી પોળો ફોરેસ્ટની સફાઈ અને સુંદરતા જાળવવામાં સહભાગી બને.