લેખનહિંમતનગરના મેરેજ બ્યુરો દ્વારા પ્રાંતિજના યુવાન સાથે લાખોની ઠગાઈ લૂંટેરી દુલ્હન સહિત પાંચ સામે ગુનો નોંધાયો, લગ્નના થોડા દિવસોમાં જ કન્યા ભાગી જતા પરિવાર આઘાતમાં
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
લેખનહિંમતનગરના મેરેજ બ્યુરો દ્વારા પ્રાંતિજના યુવાન સાથે લાખોની ઠગાઈ લૂંટેરી દુલ્હન સહિત પાંચ સામે ગુનો નોંધાયો, લગ્નના થોડા દિવસોમાં જ કન્યા ભાગી જતા પરિવાર આઘાતમાં
સાંબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામના એક યુવાન સાથે લગ્ન કરાવી આપવાના બહાને લાખોની છેતરપિંડી આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હિંમતનગર ખાતે કાર્યરત દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલકો, તેમની સહયોગી મહિલા, એજન્ટ તથા લૂંટેરી દુલ્હન સહિત કુલ પાંચ શખ્સો સામે પ્રાંતિજ પોલીસ મથકે ગુનો નોંધાતા મેરેજ બ્યુરોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મહાદેવપુરા ગામના હાર્દિકકુમાર પ્રવિણભાઈ પટેલ પોતાના લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધમાં હતા. આ દરમિયાન તેઓ હિંમતનગરના કાંકરોલ વિસ્તારની અર્બુદાનગર સોસાયટીમાં ચાલતા “દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો”ના સંપર્કમાં આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક મનહરલાલ ઉર્ફે મનોજભાઈ બાબુલાલ સોની તથા તેમની પત્ની કવિતાબેન સોનીએ યુવકને વિશ્વાસમાં લઈ બિહાર રાજ્યની યુવતી સાથે લગ્ન કરાવી આપવાના બહાને રૂપિયા 3.25 લાખની માંગણી કરી હતી.કરાર મુજબ ગત તા. 6 ઓગસ્ટ 2024ના રોજ હાર્દિકકુમારના લગ્ન બિહાર રાજ્યના સીતામઢીની રહેવાસી સીમા કુમારી મહિન્દ્રસાહ સાથે કરાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ લગ્નના ગણતરીના દિવસોમાં જ કન્યા દ્વારા ઘરમાં નાની-નાની બાબતોને લઈને સાસુ, સસરા તથા પરિવારજનો સાથે ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. પરિવારને માનસિક તણાવમાં મૂકી કન્યા અચાનક મેરેજ બ્યુરો ખાતે પરત ચાલી ગઈ હતી.પરિવારે અનેકવાર સમજાવટ અને સમાધાનના પ્રયાસો કર્યા છતાં કન્યા પરત ન ફરતાં આખરે બંને પક્ષો વચ્ચે નોટરી સમક્ષ કાયદાકીય રીતે છૂટાછેડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સમયે મેરેજ બ્યુરો દ્વારા માત્ર રૂપિયા 25 હજાર પરત આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 3 લાખ પરત આપવા મામલે આરોપીઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા.આક્ષેપ છે કે બાકી રકમની માંગણી કરતાં મેરેજ બ્યુરોના સંચાલકો તથા તેમના સાગરિતોએ પીડિત યુવાન અને તેના પરિવારને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. આખરે કંટાળી ગયેલા પીડિત યુવકે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મનહરલાલ ઉર્ફે મનોજભાઈ બાબુલાલ સોની, કવિતાબેન મનહરલાલ સોની, સેજલબેન મહેશભાઈ પંચાલ, વીરેન્દ્રભૂરા મહતો તથા સીમા કુમારી મહિન્દ્રસાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર બનાવ બાદ જિલ્લામાં ચાલતા કેટલાક મેરેજ બ્યુરોની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. લગ્નના નામે ચાલી રહેલા આવા કૌભાંડો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકોમાં ઉઠી રહી છે.