મયુર મોકાશી. સમગ્ર ભારતમાં વર્તાયેલ ઇંધણની કટોકટીની અસર આ વિસ્તારમાં જોવા મળે છે. સમગ્ર ધરમપુર માં પણ પેટ્રોલ-ડીઝલની ગંભીર કટોકટી સર્જાઈ છે. પંપ સંચાલકો દ્વારા ટુ-વ્હીલરમાં માત્ર 100 થી 200 રૂપિયાનું પેટ્રોલ આપવાની મર્યાદા બાંધી દેવામાં આવી છે. ફોર-વ્હીલમાં પેટ્રોલ માટે 500 અને ડીઝલ માટે 1000 રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ છે. *કલાકોની લાઇન, અંતે ખાલી હાથે પરત* સવારથી જ પંપો પર વાહનોની કતારો લાગી જાય છે. કલાકો સુધી તડકામાં લાઈનમાં ઊભા રહ્યા બાદ પંપ પર પેટ્રોલ ખૂટી પડ્યાના પાટિયા લાગી જતા લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. મર્યાદિત પેટ્રોલ મળતું હોવાથી છેવાડાના ટોકરપાડા મોહુપાડા ખોબા ભૂતરુણ ગામ સુધી પહોંચી જ શકાતું નથી. અહીં એસટી બસ પણ આવતી નથી માટે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલ બાઇક જીવા દોરી સમાન છે *ખેડૂતો અને મજૂરોની કમર તૂટી* કેરીની સિઝનમાં ખેડૂતોનો માલ બજાર સુધી પહોંચાડવા પેટ્રોલ ન મળતા અડધે રસ્તે અટવાઈ જાય છે. ખેતપેદાશ બગડવાના ભયે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વલસાડ, દેહાદી મજૂરી કામે જતા શ્રમિકોને પેટ્રોલ ન મળતા કામે પહોંચી શકતા નથી. દિવસ આખો લાઈનમાં જતાં મજૂરી ધોવાઈ જાય છે, કામ મળતું નથી. *કાળા બજારિયાને રાજ* સરકારી મર્યાદાના નામે પંપ પર પેટ્રોલ અપાતું નથી, પણ બજારમાં 120 થી 150 રૂપિયે લીટરે ખુલ્લેઆમ કાળા બજારમાં વેચાઈ રહ્યું છે. તંત્રની મીઠી નજર હેઠળ કાળા બજારિયાઓ બેફામ બન્યા છે. સામાન્ય માણસ મર્યાદામાં પિસાય છે અને કાળા બજારિયાઓ માલામાલ થઈ રહ્યા છે. ઠેર ઠેર લોકોની માંગ છે કે પેટ્રોલની મર્યાદા તાત્કાલિક હટાવવામાં આવે. અંતરિયાળ વિસ્તારમાં નવા પંપ મંજૂર કરવામાં આવે અને કાળા બજાર પર કડક કાર્યવાહી કરવામાં આવે.