મયુર મોકાશી ધરમપુર: ધરમપુર નગરપાલિકા દ્વારા ૨૫ લાખના ખર્ચે નગારિયા સ્થિત વિસ્તારમાં પીવાના પાણી માટે પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામમાં થયેલો ભ્રષ્ટાચાર હવે છડેચોક બહાર આવ્યો છે. કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમે સ્થળ પર જઈને આ કામગીરીની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે.સ્થાનિક રહીશોની ફરિયાદને પગલે ધરમપુર કોંગ્રેસની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે:નિયમ મુજબ ૫ ફૂટ ઊંડી પાઈપલાઈન નાખવાની હતી, પરંતુ માંડ ૧ થી ૧.૫ ફૂટ ઊંડો ખાડો ખોદીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.પાઈપલાઈનનું લેવલ જાળવવામાં આવ્યું નથી.જે પાઈપ વાપરવામાં આવી રહી છે તેની ગુણવત્તા પણ અત્યંત હલકી હોવાનું જણાઈ રહ્યું છે.માહિતી માંગતા પાલિકાનો 'ગોળ-ગોળ' જવાબઆ સમગ્ર મામલે માહિતી અધિકાર (RTI) હેઠળ કોંગ્રેસ દ્વારા વિગત માંગવામાં આવી હતી. જેમાં પાલિકાએ એક મહિનાનો સમય લીધા બાદ અધૂરી અને ભ્રામક માહિતી આપી હોવાનો આરોપ લાગ્યો છે. પાલિકા દ્વારા જે પત્ર આપવામાં આવ્યો તેમાં જૂની તારીખ લખીને વિગતો છુપાવવાનો પ્રયાસ થયો હોવાની શંકા સેવાઈ રહી છે.આ સમગ્ર બાબતે એડવોકેટ ફહીમ બાહનાને પણ માહિતી આપી સોશિયલ મીડિયામાં વિડિઓ પોસ્ટ કર્યો છે. વધુમાં, અહીં ૨૫ લાખના ટેક્સના પૈસાનો આ પ્રકારનો બગાડ અને ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુથ કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો પાલિકા આ ભ્રષ્ટાચારનો સંતોષકારક ખુલાસો નહીં કરે તો આંદોલન કરવામાં આવશે. પાલિકાના જવાબદાર પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.