ડાંગ જિલ્લાની પેરા સિટિંગ વોલીબોલ ટીમ સુરત ખાતે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા રવાના, મેડલ જીતવાની આશા વ્યક્ત
DANG | By Akhand Bharat Team | Published:
રમતજગત
ડાંગ જિલ્લાની પેરા સિટિંગ વોલીબોલ ટીમ સુરત ખાતે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા રવાના, મેડલ જીતવાની આશા વ્યક્ત
ડાંગ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓની પેરા સિટિંગ વોલીબોલ ટીમ આવતીકાલે સુરત ખાતે યોજાનારી ચતુર્થ દક્ષિણ ગુજરાત (દિવ્યાંગ) પેરા સિટિંગ વોલીબોલ ચેમ્પિયનશિપ 2026 માં ભાગ લેવા માટે રવાના થઈ રહી છે. ડાંગ જિલ્લાના ખેલાડીઓ અગાઉ પણ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યા છે, ત્યારે આ વખતે પણ ટીમ દ્વારા શ્રેષ્ઠ રમત પ્રદર્શન કરી મેડલ જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ચેમ્પિયનશિપમાં સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તેમજ તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તેવો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.સ્પર્ધા આગામી તા. 17 મે 2026ના રોજ સુરત ખાતે આવેલ પાલ હવેલી - શ્રી ગોકુલચંદ્રમાજી પુષ્ટિમાર્ગીય હવેલી, મેઇન રોડ, હજીરા - અડાજણગામ, ભાઠા ખાતે યોજાશે. ખેલાડીઓ માટે બપોરના 4:00 વાગ્યા સુધી રિપોર્ટિંગ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ મેનેજર મીટીંગ, સ્લોટ પ્રક્રિયા અને સાંજે 6:00 વાગ્યાથી સ્પર્ધાનો પ્રારંભ થશે.આ આયોજન પેરા સ્પોર્ટ અસોશિએશન - સુરત, ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ, સુરત તથા પેરા સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા કરવામાં આવ્યું છે. આયોજન સાથે જોડાયેલા મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આનંદ શાહે તમામ જિલ્લાઓના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી સફળ સ્પર્ધા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.ડાંગ જિલ્લાના રમતપ્રેમીઓ અને નાગરિકોમાં પણ ટીમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જિલ્લાવાસીઓ ટીમ વધુ એક વખત મેડલ સાથે પરત ફરશે તેવી આશા રાખી રહ્યા છે.