ચોટીલાના નવા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાંથી આજે સવારે એક અજાણી મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો મુજબ, ચોટીલાના નવા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં એક અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા પોલીસને આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ચોટીલા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પ્રાથમિક પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.મોતનું કારણ અકબંધ: પીએમ રિપોર્ટની રાહપ્રાથમિક તપાસમાં મહિલાનું મોત શંકાસ્પદ જણાતા પોલીસે સચોટ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.ઓળખ મેળવવા સીસીટીવીની મદદ લેવાઈહાલના તબક્કે મૃતક મહિલાની કોઈ ઓળખ થઈ શકી નથી. તે ક્યાંની વતની છે અને આ સ્થળ સુધી કેવી રીતે પહોંચી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી તેની બારીકાઈથી તપાસ શરૂ કરી છે, તેમજ સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે. મહિલાની ઓળખ મેળવવી એ પોલીસ માટે હાલ પ્રથમ પ્રાથમિકતા બની છે.