કડોદરા:આગામી પવિત્ર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ના તહેવારની સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ અને કોમી એકતાના વાતાવરણમાં ઉજવણી થાય, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિ (પીસ કમિટી)ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં કડોદરા નગર તેમજ આસપાસના વિસ્તારના મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા તહેવારની ઉજવણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ પ્રશાસનને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. સામે પક્ષે મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ બકરી ઈદનો તહેવાર ભાઈચારા અને શાંતિમય વાતાવરણમાં ઉજવવાની ખાતરી આપી હતી.