ડાંગ જિલ્લામા ડેરી વિકાસ દ્વારા આર્થિક સધ્ધરતા મેળવી શકાય તે માટે, વસુધારા ડેરીના સહયોગથી વર્ષ ૨૦૦૧માં વઘઈ અને વર્ષ ૨૦૦૭/૦૮ માં સુબીર ખાતે દુધશીત કેંદ્રની સ્થાપના કરી, આજુબાજુના ગામોમાં દુધ મંડળીઓની રચના કરવામાં આવી હતી.અહીંના પશુપાલકો એવા લાભાર્થીઓને સંકર જાતની ગાયો આપી, કાર્યરત કરાયેલી દુધ મંડળીઓના ફળ સ્વરૂપે છેલ્લા આટલા વર્ષમાં આહવા તાલુકામાં ૫૯ દૂધ મંડળીઓ, વધઈમાં ૭૨, અને સુબીર તાલુકામાં ૬૩ મળી જિલ્લામાં કુલ ૧૯૪ દુધ મંડળીઓ સ્થાપી, ૫૬૬૮ સભાસદોની નોંધણી કરવામાં આવી છે.આ સભાસદોની તનતોડ મહેનતને પરિણામે સને ૨૦૨૪/૨૫ દરમિયાન કુલ બે કરોડ અઢાર લાખ સુડતાળીસ હજાર સાતસો ને ઓગણસાંઈઠ લિટર ગાયનુ દૂધ, અને બે લાખ દસ હજાર ત્રણસો ઓગણીયાંસી લિટર ભેંસનું દૂધ મળી કુલ બે કરોડ વીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો આડત્રીસ લિટર જેટલુ અધધ દૂધની નદી વહેવડાવી, કુલ રૂપિયા આઠ કરોડ ઓગણોસિત્તેર લાખ નેવુ હજાર એકસો ને પંચોતેર રૂપિયાની આવક રળી લીધી છે.ડેરીના આ વ્યવસાયના લીધે લોકો વધારાની પૂરક આવક મેળવતા થયા છે, તથા અન્ય પશુપાલકો પણ ધીરે ધીરે ડેરીના વ્યવસાય તરફ રસ કેળવતા થયા છે. તેમ, મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. હર્ષદ ઠાકરેએ પૂરક વિગતો આપતા કહ્યું હતું.હાલમાં ડાંગ જિલ્લામાં વઘઇ ખાતે દૈનિક ૪૦ હજાર લીટર, તથા સુબીર ખાતે દૈનિક ૨૦ હજાર લીટરની ક્ષમતાવાળા વસુધારા ડેરી સંચાલિત બે દુધશીત કેન્દ્રો ઉપલબ્ધ છે.સને ૨૦૧૯ની પશુધન વસ્તી ગણતરી મુજબ ડાંગ જિલ્લામાં ગાય વર્ગના ૭૪ હજાર ૭૩૨, ભેંસ વર્ગના ૨૩ હજાર ૨૩૫, બકરા વર્ગના ૨૧ હજાર ૯૩, ધેટા વર્ગના ૨૮૫, ભૂંડ વર્ગના ૬૪ પ્રાણીઓ, અને મરધાં/બતક વર્ગના ૨ લાખ ૧૭ હજાર ૭૩ પક્ષીઓ સરકારી દફતરે નોંધાવા પામ્યા છે.આ પશુઓ અને પશુપાલકો માટે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની પશુપાલન શાખા હેઠળ જિલ્લામાં ૯ જેટલા પશુ દવાખાના, ૪ પશુ ઉછેર કેન્દ્ર, અને ૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરાયા છે. જેમાં પાંચ પશુ ચિકિત્સક અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ૧૦ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની યોજના હેઠળ જિલ્લામાં કુલ ૭ જેટલા ફરતા પશુ દવાખાના પણ કાર્યરત છે. આ પશુ દવાખાનાઓ અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના માધ્યમથી પશુઓની સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન, ખસીકરણ, પશુ સારવાર કેમ્પ, કૃમિનાશક દવા પીવડાવવી જેવી તાંત્રિક કામગીરી, ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પશુપાલકો સાથે ગ્રુપ મિટિંગ, પશુ ઉત્પાદકતા વૃધ્ધિ શિબિર, શિક્ષણ શિબિર, રાત્રી સભા, પશુ પ્રદર્શનો, ફિલ્મ શો જેવી વિસ્તરણની કામગીરી, સહિત યોજનાકીય અમલીકરણ સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓ, તથા પશુપાલન અને પશુ સંવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકો માટે આશીર્વાદરૂપ છે.